‘કુદરત તારો કેવો ખેલ’, જે પરિવાર ગઈકાલ સુધી હસતો રમતો હતો એ વેરવિખેર થઈ ગયો.

તારીખ : 23-02-2023 ગુરુવારની કરુણ ઘટના



 ‘કુદરત તારો કેવો ખેલ’, જે પરિવાર ગઈકાલ સુધી હસતો રમતો હતો એ વેરવિખેર થઈ ગયો

પતિના અકસ્માત મોતના સમાચાર સાંભળી પતીનું હાર્ટએટેકથી મોત

ખેરગામઃ જિંદગી પણ કેવા ખેલ ખેલે છે. એક ખુશહાલ જિંદગી એકાએક કાળની એક જ થપાટને કારણે વેરવિખેર થઈ ગઈ હતી.ચોતરફ સુનકાર, કુદરતે ઘડીકવારમાં બે માસૂમ પાસેથી જાણે સર્વસ્વ છીનવી લીધું હતું. 

      મમ્મી, પપ્પા ક્યારના ગયા છે એ હજુ આવ્યા નથી ને! એમ કહી બે માસૂમ બાળકો રાહ જોતાં હતાં, ત્યાં જ એકાએક મમ્મીની તબિયત ખરાબ થઈ જતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવતાં બંને માસુમના ચહેરા ઓર નિસ્તેજ થઈ ગયા હતા.

          કેમેય કરી રાત તો જેમતેમ વિતાવી પણ સવારે આસપાસના લોકો ટોળે વળી ગયા, સફેદ વસ્ત્રમાં વીંટાળેલી બે લાશ ઘરે આવી ત્યારે બાળકોને ખબર પડી કે તેઓ જેને શોધતા એ માતા અને પિતા આ દુનિયામાં હવે હયાત નથી. ખેરગામના નાનકડા એવા એક ગામમાં કલ્પાંતનો માહોલ છવાઈ ગયો હતો. એકાએક આવી પડેલી આપત્તિથી માસૂમ બાળકો પણ હેબતાઈ ગયાં હતાં. 

       ને બસ મમ્મી... પપ્પાના નામે પોક દઈ ચોધાર આંસુ વહાવતાં હતાં. આખું ગામ શોકમાં ગરકાવ હતું. પતિના અકસ્માત મોતના સમાચાર સાંભળી પત્નીને હૃદયરોગનો હુમલો આવતાં માત્ર અડધો કલાકમાં જ પત્નીનું આઘાતને કારણે મોત થયું હતું. આ કરુણ ઘટનાની વિગત કંઈક એવી છે કે, ખેરગામના તોરણવેરાના હનુમાન ફળિયામાં રહેતા અરુણભાઈ નટુભાઈ ગાંવિત (ઉં.વ.38) અને પૂર્વ સરપંચ રહી ચૂકેલાં ભાવનાબેન ખેતી કરી પરિવારનું ગુજરાત ચલાવતાં હતાં.

         જેમને બે સંતાન પૈકી પુત્રી યાસીકા ધો.9 અને પુત્ર હેનિલ ધો.5માં ભણે છે. અરુણભાઈ રોજિંદા ક્રમ મુજબ ગત 23મીએ સાંજે પોતાની બાઇક નં.(જીજે-21- 1657) લઈ હું થોડીવારમાં આવું છું કહી ફળિયામાં આંટો મારવા ગયા હતા. જ્યાંથી સાડા આઠ વાગ્યાના અરસામાં તોરણવેરા ગામના જ નિશાળ ફળિયામાં ગરનાળા પાસેથી ઘરે આવતી વેળા તેમની બાઇક એકાએક સ્લિપ થઈ ગઈ હતી. 

         આ ઘટનામાં તાબડતોબ તેમને સારવાર અર્થે ખેરગામના સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો તેમનું મોત થઈ ગયું હતું. આ બનાવની જાણ પત્ની ભાવનાબેન(ઉં.વ.34)ને થતાં તેઓ અધમૂવા થઈ ઢળી પડ્યાં હતાં. આથી તેમને સારવાર અર્થે ખેરગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જ્યાં હાર્ટએટેકને કારણે પત્નીનું પણ મોત થયું હોવાનું તબીબોએ જણાવતાં પરિવારમાં આઘાતની લાગણી પ્રસરી ગઈ હતી.

        જો કે, આ ઘટનાથી બંને માસૂમ બાળકો તદ્દન અજાણ હતાં. પપ્પા ઘરે કેમ નથી આવ્યા એવો સવાલ કરતાં બાળકો મમ્મી બેભાન થઈ ઢળી પડતાં ઓર મૂંઝવણમાં મુકાઈ ગયાં હતાં. ઘરમાં દાદા-દાદી કે કાકા-કાકી કંઈ કહેતાં ન હતાં.

           બીજા દિવસે સવારે ઘરે સગાસંબંધી અને ગ્રામજનો શોકાતુર બની એકત્ર થઈ ગયા, ત્યાં જ બે લાશ તેમના ઘરના આંગણે લાવવામાં આવે છે ને બાળકોને જાણ થાય છે કે જેમણે આખી રાત આંખો શોધતી હતી એ હવે હયાત નથી. પછી તો સગાંસંબંધીઓ અને પરિવારજનોનું કલ્પાંત શરૂ થઈ જાય છે. બાળકો માતાપિતાને મૃત હાલતમાં જોઈ બસ રડ્યે જતાં હતાં.

       મમ્મી...પપ્પા...ના નામે એકધારા આંસુ વહેતાં જોઈ આખું ગામ શોકમગ્ન થઈ ગયું હતું. વૃદ્ધ માતા-પિતા અને ભાઈના પરિવારને સૌ કોઈ આવી પડેલી વિપદા બદલ દિલાસો દેતાં હતાં. માસૂમ બાળકોનું રૂદન ભલભલા માણસને પીગળાવી દે એવું હતું. 

         આ બનાવની જાણ થતાં પાણીખડક સંસ્કારધામ શાળા અને ગોડથલ પ્રાથમિક શાળાના શિક્ષકોને થતાં તેઓ પણ માસૂમ બાળકોને સાંત્વન આપવા પહોંચી ગયા હતા. સ્વભાવે મિલનસાર અરુણભાઈ અને ભાવનાબેનના એકાએક મોત થતાં રાજકીય અગ્રણીઓએ પણ આઘાતની લાગણી વ્યક્ત કરી હતી.

સૌજન્ય : ગુજરાતમિત્ર ન્યૂઝ

MORE DETAILED : GUJARATMITRA NEWS 

Post a Comment

0 Comments